સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા એટલે કે SIIના ડાયરેક્ટર સાઈબર ફ્રોડનો શિકાર બન્યા છે. તેમની પાસેથી અજાણ્યા શખસે 1 કરોડ રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ ફ્રોડ કર્યો છે. ખાસ વાત એ છે કે પોતાની સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિએ પોતાને SIIના CEO અદાર પૂનાવાલા હોવાનું જણાવ્યું હતુ અને રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું.
સમાચાર એજન્સીએ પૂણે પોલીસને ટાંકીને આ માહિતી આપી છે. આ ઘટના બુધવાર અને ગુરુવારે બની હોવાનું કહેવાય છે. આ કેસમાં પોલીસે છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
પૂનાવાલાનો નંબર એક જ હતો
વરિષ્ઠ પોલીસ નિરીક્ષક પ્રતાપ મંકરે જણાવ્યું હતું કે કંપનીના ડાયરેક્ટર સતીશ દેશપાંડે વતી બૂન્ડ ગાર્ડન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે મારી પાસે એક વ્હોટ્સએપ મેસેજ આવ્યો, જેમાં વ્યક્તિએ પોતાને અદાર પૂનાવાલા હોવાનું જણાવ્યું હતું. મેસેજમાં રૂ. 1 કરોડની માંગણી કરી હતી. જ્યારે મેં રૂપિયા ટ્રાન્સફર કર્યા ત્યારબાદ ખબર પડી કે મારી સાથે છેતરપિંડી થઈ છે. પરેશાન કરનારી વાત એ છે કે મેસેજ પર જે નંબર આવ્યો હતો તે અદાર પૂનાવાલાનો જ હતો.
છેતરપિંડી માટે સતીશ દેશપાંડેનો વ્હોટ્સએપ પર જે નંબર આવ્યો હતો તે અદાર પૂનાવાલાનો હતો.
છેતરપિંડી માટે સતીશ દેશપાંડેનો વ્હોટ્સએપ પર જે નંબર આવ્યો હતો તે અદાર પૂનાવાલાનો હતો.
છેતરપિંડી થઈ તે કેવી રીતે ખબર પડી
કંપનીના અધિકારીઓએ આ મેસેજને CEOનો હોવાનો સમજી લીધો અને રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. રૂપિયા ટ્રાન્સફર કર્યા પછી સતીશ દેશપાંડેને સમજાયું કે અદાર પૂનાવાલા ક્યારેય આ રીતે મેસેજ કરીને રૂપિયા માંગતા નથી. તે પછી તેમણે પુષ્ટિ કરી ત્યારે જાણવા મળ્યું કે કંપની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
સીરમે મંકીપોક્સની વેક્સિન બનાવવાની જાહેરાત કરી હતી
સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ જુલાઈમાં જણાવ્યું હતું કે તેઓ મંકીપોક્સ માટે mRNA વેક્સિન વિકસાવવાની યોજના બનાવી રહ્યા છે. આમાં નોવાવેક્સ કંપની તેમને સપોર્ટ કરી રહી છે. WHO દ્વારા 23 જુલાઈના રોજ મંકીપોક્સને હેલ્થ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને સીરમ સંસ્થાએ મંકીપોક્સની વેક્સિન બનાવવાનું નક્કી કર્યું છે.