રાજકોટની મેટોડા GIDCમાં પર્વ મેટલ નામની ફેક્ટરીમાં આજે સવારે ધડાકાભેર બોઇલર ફાટતા ભૂંકપ જેવો અનુભવ આસપાસના લોકોમાં થયો હતો. પ્રચંડ બ્લાસ્ટના અવાજથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા પાંચ શ્રમિકને ગંભીર રીતે ઇજા પહોંચી છે. આથી તમામને 108 મારફત રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જો કે, આ ઘટના બાદ ભાજપના નેતા મનોજ રાઠોડ દોડી ગયા છે, તેઓએ વહીવટી તંત્રને તાત્કાલિક ધોરણે દોડતું કર્યું છે. તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા છે.
બોઇલર ફાટતા ફેક્ટરીમાં આગ પણ લાગી હતી. આથી ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાઈટરો દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોમાં નાસભાગ મચી હતી. બોઇલરના પ્રચંડ બ્લાસ્ટથી ફેક્ટરીના આખેઆખા શેડનાં પતરાં તૂટી ગયાં હતાં અને મોટાભાગનાં પતરાં જમીન પર પડ્યાં હતાં. તેમજ કેટલાંક પતરાં ઊડીને આસપાસના વિસ્તારોમાં પણ પડ્યાં હોવાનું જાણવા મળ્યું છે.ફેક્ટરીમાં ધડાકાભેર બોઇલર ફાટતા પ્રચંડ અવાજ આવ્યો હતો. તેમજ આ વિસ્તારમાં જમીન પણ ધણધણી ઊઠી હોય તેવો અનુભવ લોકોમાં થયો હતો. આગના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. અવાજ સાંભળતા જ લોકો પોતાનાં ઘર અને ફેક્ટરીની બહાર દોડી આવ્યા હતા. ફેક્ટરીમાં પણ મોટાપાયે નુકસાન થયાનું જાણવા મળ્યું છે.