વિકસિત દેશોમાંથી માંગમાં ઘટાડો તેમજ યુએસ અને યુરોપિયન યુનિયનમાં મંદીની આશંકાને કારણે ખાસ કરીને એન્જિનિયરિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની નિકાસને અસર થઇ છે અને આગામી સમયમાં જો વૈશ્વિક સ્થિતિમાં કોઇ સુધારો નહીં આવે તો દેશની નિકાસને વધુ અસર થવાની સંભાવના છે.વૈશ્વિક ફુગાવો, રશિયા-યુક્રેન યુદ્વ, ચીન-તાઇવાન પર તોળાતો મંદીનો ખતરો અને સપ્લાય ચેઇનમાં અડચણને કારણે વૈશ્વિક આર્થિક વૃદ્વિ પર નકારાત્મક અસર થતા માંગને પણ ફટકો પડ્યો છે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અનુસાર રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્વને કારણે વૈશ્વિક મર્ચન્ડાઇઝ ટ્રેડ વોલ્યુમ વર્ષ 2022માં 3 ટકા વધે તેવી સંભાવના છે. અગાઉ તેની 4.7 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઑર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD), વિકસિત દેશના સમૂહ અનુસાર G-20 મર્ચેન્ડાઇઝ વેપાર વૃદ્વિ એપ્રિલ-જૂન 2022ના બીજા ક્વાર્ટરમાં વેલ્યુ ટર્મની દૃષ્ટિએ ઘટી છે. વૈશ્વિક અનિશ્વિતતાઓ વચ્ચે નિકાસકારો નિકાસમાં વધારાને લઇને ચિંતિત છે પરંતુ આગામી સમયમાં તેમાં સુધારો થશે તેવો આશાવાદ ધરાવે છે.
નિકાસમાં ઘટાડો તેમજ આયાતમાં વધારાથી વેપાર ખાધ વધે છે, જેને કારણે રૂપિયા પર દબાણ પણ વધે છે. તેનાથી જોબ માર્કેટ પર પણ નકારાત્મક અસર જોવા મળે તેવી સંભાવના વધુ રહે છે. ઓગસ્ટમાં દેશની નિકાસ 1.15 ટકા ઘટીને 33 અબજ ડોલર તેમજ આયાતમાં 37 ટકાના વધારાને કારણે વેપાર ખાધ બમણી વધીને 26.68 અબજ ડોલર નોંધાઇ છે. વાણિજ્ય સચિવ બી.વી.આર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, ફુગાવાને અંકુશમાં રાખવા તેમજ કેટલીક ચોક્કસ પ્રોડક્ટ્સની ઉપલબ્ધતા સુનિશ્વિત કરવા માટે અમે ઘઉં, સ્ટીલ અને આયર્ન ઓર પેલેટ્સ પર કેટલાક પ્રતિબંધો તેમજ કેટલાક ઉત્પાદનો પર એક્સપોર્ટ ડ્યૂટી લાદી છે.
લુધિયાણા હેન્ડ ટૂલ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ એસ.સી. રાલહાને જણાવ્યું હતું કે, માંગમાં મંદી તેમજ યુએસ અને યુરોપમાં ફુગાવાને કારણે નિકાસને અસર થવા પામી છે. નિકાસકારો પાસે માત્ર આગામી બે મહિના માટે જ ઓર્ડર છે. જો અત્યારની વૈશ્વિક સ્થિતિ આગળ પણ ચાલુ રહેશે તો તેનાથી નિકાસને અસર થશે.
એન્જિનિયરિંગની નિકાસમાં સર્વાધિક 14.5%નો ઘટાડોઓગસ્ટ દરમિયાન ખાસ કરીને એન્જિનિયરિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ, કોટન યાર્ન, ફેબ્રિક્સની નિકાસમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. તેમાં દેશની કુલ નિકાસમાં 25 ટકા હિસ્સો ધરાવતા એન્જિનિયરિંગ પ્રોડ્ક્ટસની નિકાસ ઓગસ્ટમાં સર્વાધિક 14.5 ટકા ઘટીને 8.25 અબજ ડોલર નોંધાઇ છે. વર્ષ 2021-22 દરમિયાન દેશની કુલ નિકાસ 419 અબજ ડોલર રહી હતી. જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ પણ 4 ટકા ઘટીને 3.3 અબજ ડોલર નોંધાઇ છે અને પ્લાસ્ટિકની નિકાસ 1.47 ટકા ઘટીને 744.5 મિલિયન ડોલર રહી છે.