અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાદ હવે LG મેડિકલ કોલેજ પણ નરેન્દ્ર મેડિકલ કોલેજ તરીકે ઓળખાશે. મણિનગર સ્થિત AMCના મેડિકલ એજ્યુકેશન સંચાલિત LG મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવાની દરખાસ્તને આજે મળેલી કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. જેથી હવે LG હોસ્પિટલની મેડિકલ કોલેજ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તરીકે ઓળખવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, AMC મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટની બેઠક મળી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે મણિનગરની એલજી હોસ્પિટલની મેડિકલ કોલેજનું નામાભિધાન કરવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી તેને મંજૂર કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ મણિનગર વિધાનસભામાંથી ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમના સમય દરમિયાન જ આ કોલેજ બની છે. જેથી મેડિકલ કોલેજનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કરવા માટેની દરખાસ્તને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ ઉપર મણિનગર મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવા બાબતે વિરોધ કરતા જણાવ્યું હતું કે ચૂંટણી આવતાંની સાથે જ ભાજપ દ્વારા શહેરો અને જગ્યાના નામકરણની યોજનાઓ શરૂ થઈ જાય છે. એક વ્યક્તિને સારું લગાડવા માટે તેઓ દ્વારા આ રીતે નામ આપવામાં આવે છે. મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવા બાબતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવે છે કે નામ બદલવાથી ત્યાંની પરિસ્થિતિ સુધરી નહીં જાય. મણિનગરની એલજી હોસ્પિટલમાં પીડિતોની જે પરિસ્થિતિ છે તે સુધારવાની જગ્યાએ નામ બદલવાની ચિંતા કરે છે. ભાજપની આ નામકરણની નીતિનો કોંગ્રેસ વિરોધ કરે છે. નામ બદલવાથી કાંઈ થતું નથી, ત્યાંનું કામ સુધારવાની જરૂર છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગર એલજી જનરલ હોસ્પિટલમાં દર્દીઓના ઉત્તરોત્તર વધારાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં આવતા દર્દીઓને સઘન સારવાર મળી રહે તે હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે તે સમયે મેડિકલ કોલેજની સ્થાપનાનો વિચાર ધ્યાને લેતાં AMC મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એ.એમ.સી. મેટ મેડિકલ કોલેજની વર્ષ 2009માં તેઓના વરદ્હસ્તે સ્થાપના કરવામાં આવી હતી.વર્ષ 2009માં વાર્ષિક 150 એમ.બી.બી.એસ.સીટોથી શરૂ થયેલ AMC મેટ મેડિકલ કોલેજમાં હાલમાં વર્ષ 2022માં કુલ 200 એમ.બી.બી.એસ. વિદ્યાર્થીઓ તથા 170 એમ.ડી./એમ.એસ. વિદ્યાર્થીઓ એડમિશન મેળવે છે, જેનો સીધો લાભ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા ગરીબ દર્દીઓને મળી રહે છે. આ મેડિકલ કોલેજની સ્થાપનાનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને રાજ્ય બહાર મેડિકલના અભ્યાસ માટે જવું ન પડે તેવા ઉમદા વિચાર, દૂરંદેશી, દીર્ઘદ્રષ્ટિ તથા તે માટેના અથાગ પરિશ્રમને જાય છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે અમદાવાદના મોટેરા ખાતેનું સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. ત્યારબાદ શહેરમાં હવે મેડિકલ કોલેજનું નામ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાદ હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ નામાભિધાન કરવામાં આવ્યું છે.