સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી બોમ્બે કોલોનીમાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યાં બાદ પત્નીએ આત્મહત્યા કરી હોવાનું પતિએ રટણ કર્યું હતું. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઘરના અંગત ઝઘડામાં ઉશ્કેરાઈ જઈને પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરતમાં એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. વધુ એક હત્યાનો કિસ્સો રાંદેર વિસ્તારમાંથી સામે આવ્યો છે. રાંદેરની નવયુગ કોલેજ પાસે આવેલી બોમ્બે કોલોનીમાં રહેતા પ્રકાશ વસાવા અને તેની પત્ની ઉષા વસાવા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, ત્યારે ગત 13 સપ્ટેમ્બરના રોજ બંને પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. દરમિયાન પતિ પ્રકાશ વસાવાએ ઉશ્કેરાઈને પત્ની ઉષા વસાવાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ ઘટના વિશે રાંદેર પોલીસને જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.પતિ પ્રકાશ વસાવાએ આવેશમાં આવીને તેની પત્નીની ગળું દબાવી હત્યા તો કરી દીધી હતી. બાદમાં થોડા સમય બાદ પ્રકાશને ભાન થયું કે તેણે બહુ મોટી ભૂલ કરી દીધી છે. જેથી પત્નીની હત્યાને તેણે આત્મહત્યામાં ખપાવી દીધી હતી. પોલીસે આત્મહત્યાનો પ્રાથમિક ગુનો પણ નોંધ્યો હતો, પરંતુ મરનાર મહિલા ઉષા વસાવાનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમાં પત્નીનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું.પોલીસે આ અંગે તેના પતિ પ્રકાશ વસાવાની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, અંગત ઝઘડામાં તેના પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિ પ્રકાશ વસાવાની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.