શહેરના ન્યુ માંજલપુર વિસ્તારમાં રહેતી 48 વર્ષીય જાગૃતિ રાઠોડ સાઈકલિંગમાં 50 BRM પૂર્ણ કરનારી ગુજરાતની પ્રથમ મહિલા બની છે. જેમાં તેમણે અત્યાર સુધી 64000 કિલોમીટરથી વધુ અંતર સુધીનું સાઈકલિંગ કર્યું છે અને અનેક નેશનલ લેવલની સાઈકલિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે.
જાગૃતિબેને જણાવ્યું હતું કે, મેં 6 વર્ષ પહેલાં ફિટનેસના ભાગરુપે સાઈકલિંગ કરવાનું શરુ કર્યું હતું. પછીથી ધીરે - ધીરે સાઈકલિંગ મારું પેશન બનતું ગયું. જેથી હું સાઈકલિંગ ક્લબ ઓફ બરોડા ગ્રુપ સાથે જોડાઈ છું. જે થકી હાલ હું અગામી વર્ષ 2023 માં યોજાનારી નેશનલ લેવલની સાઈકલિંગ રેસ માટેની પ્રેક્ટિસ કરી રહી છું. વર્ષ 2018 માં મેં મારી પ્રથમ 1000 કિમીની સાઈકલ યાત્રા પુર્ણ કરી હતી. ત્યારબાદ 2019 માં મેં 4 SR સિરિઝ પૂર્ણ કરી હતી. જેમાં મને પ્રતિષ્ઠિત PBP માં 1226 કિમી અંતરે 12000 ફુટ ઊંચાઈ પર રાઈડ કરવાની તક મળી હતી.
મને સાઈકલિંગ માટે ઝનુની બનાવવામાં મારા પતિ દિવ્યજીતસિંહનું ખૂબ મોટું યોગદાન છે. રાઠોડનું રેન્ડન્યુરિંગએ લાંબા અંતરની સાઈકલિંગ છે. જેમાં 200, 300, 400, 600 અને 1000 કિમીની સાઈકલિંગ હોય છે. જેને બ્રેવેટ્સ ડી રેન્ડોન્યુર્સ મોન્ડિયાસ એટેલે કે BRM કહેવાય છે. જે વ્યક્તિ એ નિર્ધારિત સમયમાં 1 રાઈડ પૂર્ણ કરે છે, તેને રેન્ડોન્યુર કહેવામાં આવે છે. વધુમાં જણાવ્યું કે, મેં અત્યાર સુધી 50 BRM પૂર્ણ કરી છે, જેનો મને ગર્વ છે. હું દરરોજ સવારે 4 વાગે ઉઠી જાઉં છું અને પ્રતિ દિન 40 થી 50 કિલોમીટર સાઈકલિંગ જરુર થી કરું છું. એક સમય બાદ મહિલાઓએ પોતાની ફિટનેસ પર ધ્યાન અવશ્ય આપવું જોઈએ. જે માટે કોઈ ચોક્કસ ઉમંરનો બાધ હોતો નથી. હું મારા દીકરા અને પરિવારની જવાબદારી સાથે પણ મારી હેલ્થ અને ફિટનેસ માટે BRM માટે સમય જરુર ફાળવું છું.