એશિયા કપની સુપર-4 મેચમાં શુક્રવારે શ્રીલંકાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. શુક્રવારે પાકિસ્તાને પહેલી બેટિંગ કરતાં 122 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ 3 ઓવર બાકી રાખીને જ આ ટાર્ગેટ પાર પાડી લીધો હતો. જોકે આ હારથી પાકિસ્તાનને કોઈ ફરક પડતો નથી, કારણ કે પાકિસ્તાન પહેલેથી જ ફાઈનલમાં પહોંચી ગયું છે. શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રવિવારે 14 સપ્ટેમ્બરે રમાશે.
શુક્રવારે શ્રીલંકાની ઇનિંગ દરમિયાન પાકિસ્તાનના વિકેટકીપર મોહમ્મદ રિઝવાન અને ફિલ્ડ અમ્પાયરે એવું કામ કર્યું, જેને કારણે બાબર આઝમને ઈશારો કરવો પડ્યો કે ટીમનો કેપ્ટન હું છું. આ પૂરો ઘટનાક્રમ કેમેરામાં કેદ થઈ ગયો હતો, જેનો વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે.શ્રીલંકાની ઇનિંગની 16મી ઓવરમાં બોલિંગ હસન અલી કરી રહ્યો હતો. ઓવરના બીજા બોલ પર શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ સ્કૂપ શોટ મારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બોલ બેટને અડ્યો નહોતો અને વિકેટકીપર રિઝવાનના ગ્લવ્ઝમાં આવી ગયો હતો.
રિઝવાનને લાગ્યું હતું કે બોલ આઉટસાઇડ એડ્જ લાગી છે, એટલે તેણે અપીલ કરી હતી, પરંતુ ફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરીએ નોટઆઉટ આપ્યો હતો. આ પછી તરત જ રિઝવાને DRS લેવા માટે ઈશારો કર્યો હતો. તો ઓનફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરીએ પણ એને મંજૂર કરી દીધો હતો.