અંબાજીમાં ભાદરવી પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આજના દિવસે મા અંબાના મંદિરે લાખો ભક્તો દૂર દૂરથી પગપાળા કરી પવિત્ર ભાદરવી પૂનમે માતાજીનાં દર્શન કરવા આવતા હોય છે. આજે ભાદરવી પૂનમના દિવસે મંગળા આરતીનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે, જેને લઈને અંબાજીમાં આજે ભાદરવી પૂનમની મંગળા આરતી વહેલી સવારે 5 વાગ્યે કરવામાં આવી હતી. અંબાજી મંદિરના ભટજી મહારાજ દ્વારા માતાજીની આરતી કરવામાં આવતી હોય છે. અંબાજીમાં ભાદરવી પૂનમની મંગળા આરતી માટે હજારોની સંખ્યામાં માઇભક્તો વહેલી સવારથી કતારોમાં લાગી ગયા હતા. ભક્તો શ્રદ્ધાભાવ સાથે મંગળા આરતીમાં જોડાઈ મા અંબાનાં દર્શન કર્યા હતા. ભાદરવી પૂનમ માટે લાખોની સંખ્યામાં માઇભક્તો માનાં દર્શનાથે આવે છે, જેને લીધે અંબાજીમાં યાત્રાળુઓનો ધસારો વધી જતો હોય છે. તમામ દર્શનાર્થીઓને મા જગત જનનીનાં દર્શન સરળતાથી થઈ શકે એ માટે ભાદરવી પૂનમની મંગળા આરતી સવારે 5 વાગ્યે કરવામાં આવે છે. આજે ભાદરવી પૂનમમાં માતાજીનો મહાલક્ષ્મી સ્વરૂપ હોય છે. સવારે માતાજીને શીરો ધરાવવામાં આવે છે, તો બપોરે માતાજીને રાજભોગ ધરાવવામાં આવે છે. માતાજીનાં દિવ્ય દર્શન કરવાથી તમામ મનોકામના પરિપૂર્ણ થતી હોય છે. યાત્રાળુઓ મા અંબાની મંગળા આરતીમાં વહેલી સવારથી જોડાઈ જગત જનનીના આશીર્વાદ સાથે મંગળા આરતીનો લાભ લીધો હતો.અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને લઈ લાખો ભક્તો માનાં દર્શનાથે આવવાના હોવાથી પોલીસ તંત્ર પણ સુરક્ષાને લઈ સજ્જ જોવા મળી રહ્યું છે. પોલીસ જવાનો ભક્તોમાં ઉત્સાહ વધારતા હોય એવાં દૃશ્યો મંદિર પરિસરમાં જોવા મળી રહ્યાં છે.