સુરતના બેગમપુરા વિસ્તારમાં આવેલી મપારા શેરીમાં ગણેશવિસર્જનની પૂર્વ રાત્રિએ ગણેશમંડપ બહાર ધાર્મિક લાગણી દુભાય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. ગણેશમંડપ ખાતે બૂટલેગર દ્વારા ફિલ્મી ગીત પર બિયરની બોટલો સાથે કિન્નરોને બોલાવી તેમની સાથે જાહેરમાં ઠૂમકા લગાવી નોટો ઉડાડવામાં આવી હતી. આ પ્રકારની હરકતનો ગણેશવિસર્જન બાદ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેને લઈ મહિધરપુરા પોલીસે વીડિયોમાં દેખાતા 7 સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.સુરતના બેગમપુરા વિસ્તારમાં આવેલી મપારા શેરીમાં ગણેશવિસર્જનની પૂર્વ રાત્રિએ જાહેરમાં ફિલ્મી ગીતો પર બિયરની બોટલો અને કિન્નરો સાથે ઠૂમકા લગાવતા કેટલાક યુવકોનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાઇરલ થયો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. જાહેરમાં બિયરની બોટલ સાથે ઠૂમકા લગાવતાં વીડિયો પોલીસ સુધી પહોંચતાં મહિધરપુરા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણેશ આયોજક હિરેન રાણાની પૂછપરછ શરૂ કરી હતી અને બાદમાં જાણવા મળ્યું હતું કે સુરતની જ કિન્નરોને બોલાવવામાં આવી હતી. તેમની સાથે જાહેરમાં ઠૂમકા લગાવવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાને પગલે સાત સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી કાયદેસરથી કાર્યવાહી હાથ ધરી છે.