'મારી દીકરીએ મજૂરી કરીને દાગીના બનાવ્યા હતા. કંદોરો, આંકડો...એ બધું તેણે જાતમહેનતથી ભેગું કર્યું હતું. બધાં જ કામમાં બહુ મદદ કરતી હતી. હું ગરીબ માણસ છું. તે ભણી અને મારા ઘરનું તંત્ર ચલાવતી હતી. બધાનું હેન્ડલિંગ તે જ કરતી હતી. આ વર્ષે તેના લગ્ન કરવાના હતા. મારા ઘરમાં સૌથી વધારે તે જ ભણેલી હતી. તેની માટે હું તેની મમ્મી અને તેના ભાઈઓ બધું જ હતો, કેમ કે અમે તેને બહુ સાચવી રાખતા હતા. અમને આવા કોઈ સંબંધોની તો જાણ જ નહોતી. ક્યારેય સાંભળ્યું પણ નથી. તેના માસા તેને છેતરીને લઈ ગયા,' આટલું બોલતાં જ પિતાની આંખોના ખૂણા ભીના થઈ ગયા.
દાહોદ જિલ્લામાં માનવ સંબંધોને શર્મશાર કરતાં બનાવે પંથકમાં ચકચાર મચાવી છે. જંગલમાંથી ત્રણ દિવસ પહેલાં એક 20 વર્ષીય યુવતીનું ધડથી માથું અલગ કરાયેલી લાશ મળી આવી હતી. રૂંવાડાં ઊભાં કરી દેતી આ ઘટનામાં યુવતીની તેના જ માસાએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ચાર જુવાનજોધ દીકરાના પિતા એવા માસાએ પ્રેમસંબંધમાં ભાણીને ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારી હતી. હત્યાના એક દિવસ બાદ જેલમાં આરોપી માસાએ પણ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.જુવાનજોધ દીકરીના મૃત્યુથી પિતા વિચલિત થઈ ગયા છે. હજી પણ લાડલીને યાદ કરીને રડ્યા જ રાખે છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે ઘટના અંગે વિગતવાર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું, 'હું અમદાવાદમાં મજૂરીકામ કરું છું. મારી દીકરી 10 ધોરણ ભણેલી હતી. એ પહેલાંથી સરસિયા ગામમાં એના મામાના ઘરે જ રહેતી હતી. આઠ ધોરણ સુધી દેવગઢ બારિયા ખાતે ભણી. ભણ્યા પછી એ મામાના ત્યાં જ ખેતીકામ કરતી હતી. પછી બીજી બધી છોકરીઓ સાથે મજૂરીકામે જતી હતી. એ રીતે એ 2-3 વાર ગઈ હતી, જ્યાં તેને આરોપી જેન્તી છત્રસિંહ રાઠવા મળ્યો હતો. અમારા પરિવારની પણ તેની સાથે મુલાકાત થઈ. પછી અમને ખબર પડી કે એ અમારા સગામાં થાય છે. એ પહેલાં હું તેને ઓળખતો જ નહોતો. જેન્તી અમારા ઘરે આકલી ખાતે પણ આવ-જા કરતો હતો.'