-આ મહાકુંભમાં સુવર્ણમંદિર આધુનિક ટેકનોલોજીથી બનશે રોશનીમય..
- આજે 5 થી 10 સપ્ટેમ્બર સુધી મહાકુંભમાં 30 લાખથી વધુ પદયાત્રીઓ કરશે યાત્રા..
(ધ્રુવ પરમાર/બનાસકાંઠા/ગુજરાત-)
આજ થી 6 દિવસ અંબાજી મેળો યોજાઈ રહ્યો છે.ગુજરાત નો આ સહુથી મોટો મહાકુંભ મેળો છે.જોકે અત્યાર સુધી ના આ મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કમ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની ઉપસ્થિતિમાં અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.દિકરીઓમાં પણ મા નું હ્રદય હોય છે. આદિજાતિ બાહુલ્ય ધરાવતા અને વર્ષોથી માતાજીની પૂજા-અર્ચના કરતા આદિવાસી દિકરીઓના હસ્તે આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળાનો આનંદ, ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં ભવ્ય શુભારંભ થયો છે.વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મહામેળાનો અંબાજી ખાતે દાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક આદિવાસી દિકરીઓના હસ્તે માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા- અર્ચના કરીને કલેક્ટરશ્રી સહિત મહાનુભાવોએ રથને થોડેક સુધી દોરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે ઉપસ્થિત પદયાત્રિકોએ માતાજીના ગગનચૂંબી જયઘોષ કર્યા હતા.
પ્રદર્શન ડોમનું પણ થયું ઉદ્ઘાટન..
આજ થી મેળાના પ્રારંભ બાદ પ્રદર્શન ડોમમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, માહિતી ખાતું અને આરોગ્ય વિભાગ, કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બનાવાયેલ અદ્યતન પ્રદર્શનનું કલેકટરશ્રીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ અને કલેકટરશ્રીએ આ પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યુ હતુ.અને આ ડોમમાં બનાવેલ મંદિરમાં કલેક્ટરશ્રી આનંદ પટેલે માતાજીની પૂજા- અર્ચના કરી મેળાની સંપૂર્ણ સફળતા માટે અને લાખો માઇભક્તોની અંબાજીની યાત્રા સુખરૂપ સંપન્ન થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી.
યાત્રિકો માટે તમામ સુવિધાઓ નિઃશુલ્ક,વહીવટી તંત્ર સેવામાં સ્ટેન્ડ ટુ મોડમાં...
આ પ્રસંગે મિડીયાને માહિતી આપતાં કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, દૂર દૂરથી પદયાત્રા કરીને અંબાજી આવતા માતાજીના ભક્તોને આવકારવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ થનગની રહ્યું છે. તેમણે કહ્યું કે, બે વર્ષના લાંબા વિરામ બાદ ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે ત્યારે ૩૦ લાખ કરતા વધુ સંખ્યામાં દર્શનાર્થીઓ આવવાની ધારણાને લઇને તંત્ર દ્વારા વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, મેળા દરમિયાન યાત્રિકોની આરોગ્ય સુવિધા માટે કુલ-38 જેટલાં આરોગ્ય સુવિધા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. અંબાજી આવતા તમામ યાત્રિકો દર્શનાર્થીઓ સરળતાથી મા અંબાનો પ્રસાદ મેળવી શકે એ માટે સાડા ત્રણ લાખ કિ.ગ્રા. પ્રસાદના 42 લાખ પેકેટ તૈયાર કરાયા છે. મેળામાં આવતા લાખો યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે 3 જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત દિવાળી બા ભવન, ગબ્બર તળેટી અને અંબિકા ભોજનલયમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી, ગબ્બર અને રસ્તાઓ ઉપર વિસામો, આરોગ્ય, વીજળી, પીવાનું પાણી, સુરક્ષા, પરિવહન અને પાર્કિંગ સહિત તમામ વ્યવસ્થાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવાઇ હોવાનું કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતું.
*અરવલ્લી ગિરિમાળાઓમાં આજ થી "અંબાજી દૂર હે, જાના જરૂર હે " ચોમેર થી ગુંજ્યો નાદ...
અંબાજી ભાદરવી મેળો શરૂ થતા અંબાજી તરફના તમામ રસ્તાઓ રાત- દિવસ યાત્રિકોથી ભરચક રહેશે. અંબાજી વિસ્તારના ડુંગરાઓમાં જાણે નવી ચેતનાનો સંચાર થયો છે. દિવસે થોડી ગરમી, રાત્રે ઠંડક અને હરિયાળા વાતાવરણમાં માઇભક્તો જય અંબે...ના જયઘોષ સાથે અંબાજી પંહોચી રહ્યા છે. રસ્તાઓ ઉપર વિવિધ સેવાકેન્દ્રોની સુવિધા અને સ્વંયસેવકો, સંચાલકોની કામગીરી સરાહનીય છે.
યાત્રિકો માટે દિવસ -રાત્ર પૂર્ણ સુવિધા સુરક્ષાનો રાખશે ખ્યાલ,તંત્ર સ્ટેન્ડ ટુ મોડમાં : અક્ષયરાજ મકવાણા, એસપી, બનાસકાંઠા
અંબાજી મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષા અંગે માહિતી આપતા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, 500 થી વધુ પોઇન્ટ પર 5 હજાર પોલીસકર્મીઓ ખડેપગે ફરજ નિભાવી રહ્યા છે. 325 સી.સી.ટી.વી. કેમેરા, 10 પી.ટી.ઝેડ કેમેરા, 48 બોડી વોર્ન કેમેરા, 35 ખાનગી કેમેરામેન, 13 વોચ ટાવર અને પદયાત્રિઓ માટે 48 પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. 22 પાર્કિંગ પ્લોટ પર પોલીસની નજર હેઠળ તમામ વસ્તુઓને લગેજ સ્કેનર દ્વારા ચેક કરીને જ પ્રવેશ મળે એ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે મહિલા સી ટીમ તૈનાત કરાઇ છે.
ભારતમાં અનેક પ્રસિદ્ધ મહાકુંભ મેળાઓ જેમાં અંબાજી ભાદરવી પૂનમમેળાનું વિશેષ સ્થાન...
આમતો, ભારતમાં 51 શક્તિપીઠ છે.જેમાં અંબાજી ભાદરવી મહામેળાની ગણના વિશ્વમાં થાય છે.આ મેળો માટેજ ગુજરાત સહીત દેશ-વિદેશમાં પણ ભરાતા મોટા મેળાઓમાં થાય છે. મેળા પ્રસંગે અંબાજી જતા તમામ રસ્તાઓ માઇભક્તોથી ભરચક બનતાં અહીં માનવસાંકળ રચાઈ જાય છે. અને તેનાથી અરવલ્લીના ડુંગરાઓમાં " બોલ મારી અંબે, જય જય અંબે ' તેમજ અંબાજી દૂર હે જાના જરૂર હે ' ના ગીતો સ્તુતિઓ ગાતાં યાત્રિકો નો ઘસારો સમગ્ર વાતાવરણમાં ભક્તિરસ ભરે છે.
પૌરાણિક કથા,વિશાયંત્ર,ગબ્બર પર્વત,અને ઇતિહાસ..
ભક્તો ભાવથી માં ચરણમાં નતમસ્તક થાય છે ત્યારે તેઓને જાણે સાક્ષાત માં અંબા હોય તેવી મૂર્તિ દેખાય છે.જોકે નિજ મંદિરમાં દેવીની મૂર્તિ નહીં પણ, ૫૧ અક્ષરવાળું વિસાયંત્ર પૂજાય છે. વિસાયંત્રને એવી રીતે શણગારવામાં આવે છે કે જાણે ત્યાં સાક્ષાતમાં જગદંમ્બા બિરાજમાન હોય. વીસાયંત્રને ભાવુકોએ કલ્પવૃક્ષની ઉપમા આપી છે.તેની સામે નત્ મસ્તકે માનતા માનવાથી,'તથાસ્તુ'નો ઉદ્ગાર જરૃર સંભળાય છે. અંબા માં નાં મંદિરમાં વિસાયંત્રને નજીકથી જોવાનો નિષેદ્ય હોવાથી, પૂજારી આંખે પાટા બાંધીને પૂજા કરે છે.અને અહીં વિડિઓગ્રાફી કે ફોટો ગ્રાફી ની મનાઈ છે.
પુરાણકાળની એક માન્યતા પ્રમાણે આ શક્તિ પીઠમાં બાળકૃષ્ણની પ્રથમ બાબરી ઉતારવાનો સંસ્કાર વિધિ થયેલો આ પ્રમાણે આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણ સ્પર્શથી પાવન થયેલું છે. ગબ્બર પર્વતનાં આરાસુર શિખર પર માતા સતીનાં અંગનાં હૃદયનો ભાગ ખર્યો હતો. એટલે બધા શક્તિપીઠોમાં અંબાજીનું મંદિર હૃદયનાં સ્થાન જેટલું મહત્વ ધરાવે છે.
અહીંનાં મંદિરમાં વાર- તહેવાર પ્રમાણે માંનાં શણગાર ગોઠવાય છે. શુક્રવારનાં માં જગદમ્બા હંસ પર સવાર હોય છે, જે બ્રહ્માણી માતાનું સ્વરૃપ ગણાય છે. માને સવારે કુમારિકા, બપોરે યુવાન સ્ત્રી અને સાંજના સમયે વયસ્કોનાં વસ્ત્રોથી શણગાર કરવામાં આવે છે.
અંબાજીનાં મંદિરનો આગળનો ભાગ ચાચર ચોક કહેવાય છે. નવરાત્રીમાં ત્યાં સ્ત્રી-પુરુષો ભેગા મળી માંની આરતી ગાય છે, માંનાં ગરબાની રમઝટ બોલાવે છે. મંદિર નજીક માન સરોવર આવેલું છે.
અંબાજીથી આશરે ૪ કી.મી.દૂર ગબ્બર પર્વત આવેલો છે. ત્યાં પણ 'મા'ની અખંડ જ્યોત વર્ષોથી ઝળહળે છે.ગબ્બર પરનાં મંદિરમાં ચઢીને પહોંચનાર અને દર્શન કરનારની મનોકામના પૂર્ણ થાય છે. દર પૂનમે માતાજીનાં અંબાધામે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. ગબ્બરથી નીચે ઉતરતાં કાળ ભૈરવ- બટુક ભૈરવનાં દર્શન કરી શકાય છે. અંબાજીથી થોડે દુર કુંભારિયા નામના સ્થળે જૈન દેરાસર છે, જેની કોતરણી અદ્ભૂત અને જોવાલાયક છે.
માતાજીના શૃંગાર સ્વરૂપો અને વાહનો
અંબાજી માતાજીની દિવસમાં ત્રણ વખત પૂજા થાય છે. ત્રણેય વખતે જુદા જુદા વસ્ત્રો અને અલંકારો ધરાવવામાં આવે છે. આ શૃંગાર દ્વારા આદ્યશક્તિ મા અંબાનું પ્રભાતે બાલ્ય સ્વરૂપ, મધ્યાહને યુવા સ્વરૂપ તથા સાંજે પ્રૌઢ સ્વરૂપ વ્યક્ત થાય છે. તેવી જ રીતે માતાજીના વાહનો પણ દિવસ પ્રમાણે અલગ અલગ હોય છે.
રવિવારે-વાઘ
સોમવારે-નંદી
મંગળવારે-સિંહ
બુધવારે-ઉંચી સુંઢનો હાથી(ઐરાવત)
ગુરૂવારે-ગરૂડ
શુક્રવારે-હંસ
શનિવારે-નીચી સૂંઢનો હાથી(ઐરાવત)
જયારે અખાત્રીજથી અષાઢ સુદ બીજ દરમ્યાન દરરોજ સવારે, બપોરે અને સાંજે એમ ત્રણ વખત તથા બાકીના સમયમાં સવારે તથા સાંજે એમ બે વખત માતાજીની આરતી થાય છે.અંબાજી નું નિજ મંદિર સુવર્ણ થી મઢેલું છે.
શોશિયલ મીડિયા જગતમાં ટુડે ન્યુઝ મેનેજીગ ડિરેક્ટર રીના પરમારનો ન્યુઝ ક્ષેત્રના ટુડે ન્યુઝ પોર્ટલ ને વ્યુવર્ષનો સારો સહકાર મળશે તેવી શુભકામનાઓ..
ReplyDelete