વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી સમરાંગણમાં ફેરવાઇ હતી. વોટ્સએપ ગ્રૂપમાંથી રિમૂવ કરવા બાબતે બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે છુટ્ટા હાથની અને લાકડીઓથી મારામારી થઇ હતી. કોમર્સ ફેકલ્ટી ખાતે થયેલી આ મારામારીના પગલે કેમ્પસમાં દોડધામ મચી ગઈ હતી. તેમજ આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી યોજવી કે નહીં તે અંગે આગામી બે દિવસમાં સિન્ડિકેટની બેઠક મળવાની છે.
હજુ ચૂંટણીના કોઇ ઠેકાણા નથી
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી આવી રહી છે. જેના પગલે યુનિવર્સિટીના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સિટીની સત્તા કબજે કરવા માટે વિવિધ વોટ્સએપ ગ્રૂપો બનાવીને પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. ઉપરાંત વિદ્યાર્થી સંગઠનો ફેકલ્ટીઓમાં જઇને પ્રચાર પણ શરૂ કરી દીધો છે. જોકે, આગામી દિવસોમાં ચૂંટણી યોજવી કે નહિં, ક્યારે યોજવી, કેવી રીતે કરવી તે તમામ બાબતોનો નિર્ણય લેવા માટે આગામી બે દિવસમાં સિન્ડિકેટની બેઠક મળશે, જ્યારે હજુ ચૂંટણી યોજવી કે નહિં તે અંગેનો નિર્ણય લેવાયો નથી, તે પહેલાં ચૂંટણીએ વિદ્યાર્થી સંગઠનો વચ્ચે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે.
આજે બનેલા બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે એમ.એસ. યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં યોજાનાર વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી જીતવા માટે AGSG ગ્રૂપ દ્વારા વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રૂપમાંથી આતિફ મલિક તથા અન્ય એક યુવાનને ગ્રૂપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા હતા. ગ્રૂપમાંથી રિમૂવ કરી દેવામાં આવતા AGSG ગ્રૂપના વિદ્યાર્થીઓ અને ગ્રૂપમાંથી દૂર કરવામાં આવેલા આતિફ મલિકના ગ્રૂપ વચ્ચે કોમર્સ ફેકલ્ટી ખાતે છુટ્ટા હાથની મારામારી થઇ હતી.