પ્રવર્તન નિર્દેશાલય (ED)એ શનિવારે કોલકાતામાં મોબાઈલ ગેમિંગ એપ કંપનીના પ્રમોટર્સના 6 ઠેકાણાં પર દરોડા પાડ્યા. જ્યાંથી 17 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. આ દરોડા મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત પાડવામાં આવ્યા છે. EDએ એક ફોટો જાહેર કરીને આ જાણકારી આપી છે. ફોટોમાં 2000.500 અને 200 રૂપિયાની નોટના બંડલ જોવા મળે છે.
EDની કાર્યવાહી મોબાઈલ ગેમિંગ એપ કંપની 'ઈ-નગેટ્સ' અને તેમના પ્રમોટર આમિર ખાન તેમજ અન્યના ઠેકાણાં પર ચાલી રહ્યાં છે. EDના જણાવ્યા મુજબ હાલ નોટની ગણતરી ચાલી રહી છે.નોટ ગણવા માટે 5 મશીન મંગાવવી પડી. સાથે જ બેંક સ્ટાફને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા. જે બાદ નોટ ગણવાની કાર્યવાહી શરૂ થઈ.EDએ જણાવ્યું કે ફેડરલ બેંકે સૌથી પહેલા કંપની વિરૂદ્ધ કોલકાતાની કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે બાદ ફેબ્રુઆરી 2021માં કોલકાતા પોલીસે કંપની અને તેમના પ્રમોટર્સ વિરૂદ્ધ FIR દાખલ કરી હતી. શનિવારે EDના દરોડાની કાર્યવાહી કરી.
કોલકાતાના પાર્ક સ્ટ્રીટ, મેકલિયોડ સ્ટ્રીટ, ગાર્ડેનરીચ અને મોમિનપુરમાં EDની અલગ અલગ ટીમ સવારથી જ દરોડાની કાર્યવાહી કરી છે. કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોની સાથે આ ટીમ તપાસ અભિયાન ચલાવી રહી છે. EDના અધિકારીઓએ વ્યવસાયે વકીલ પિતા-પુત્રના નિવાસસ્થાને પર તપાસ કરી.
છેતરપિંડી માટે એપ લોન્ચ કરી- ED
EDએ આરોપ લગાવ્યો કે આમિર ખાને મોબાઈલ ગેમિંગ એપ ઈ-નગેટ્સને લોકોની છેતરપિંડી કરવા માટે લોન્ચ કરી હતી. શરૂઆતમાં કંપનીએ યૂઝર્સને કમિશન આપ્યું. લોકોના વોલેટ્સમાં આવેલા પૈસા પણ આસાનીથી કાઢ્યા. તેનાથી લોકોમાં કંપની પ્રત્યે વિશ્વાસ વધ્યો અને લોકો વધુ કમિશન માટે મોટી રકમ લગાડવા લાગ્યા. જ્યારે લોકો પાસેથી મોટી રકમ કંપનીને મળી તો આ એપથી પૈસાની વીડ્રો કરવાનું અચાનક જ બંધ કરી દીધું.
તેની પાછળ એક જ તર્ક આપવામાં આવ્યો કે સિસ્ટમ અપગ્રેડેશન અને સરકારી એજન્સીઓની તપાસને કારણે રકમ વીડ્રો કરવાનું અટકાવવામાં આવ્યું. જે બાદ એપ સર્વરના તમામ ડેટા હટાવવામાં આવ્યા, જેમાં પ્રોફાઈલ ઈન્ફોર્મેશન પણ સામેલ છે. જે બાદ યુઝર્સને છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ.એજન્સી હાલ તે વાતની તપાસ કરી રહી છે કે શું એપ અને તેના ઓપરેટર્સની ચાઈનીઝ એપ સાથે કોઈ લિંક છે, જે લોકોને અંધારામાં રાખીને ઓછા દરે લોન આપવાનો દાવો કરે છે. આ લોન ઓપરેટર્સની ધમકીઓ પછી આ એપના ચક્કરમાં ફસાયેલા કેટલાંક યુઝર્સે પોતાના જીવ પણ આપી દીધા છે.