શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા અલવાનાકા વિસ્તારમાં એક ગણેશ મંડળ દ્વારા મોડી રાત સુધી મૂર્તિ વિસર્જન નહીં કરીને એક જ સ્થાને DJ ચાલુ રાખતા પોલીસે DJ બંધ કરાવવા પહોંચી હતી. જ્યાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ દરમિયાન કેટલાક લોકોએ PIને ધક્કે ચઢાવતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસે લાઠીચાર્જ કરતા દોડધામ મચી ગઇ હતી. પોલીસના લાઠીચાર્જમાં એક મહિલાને ઇજા પહોંચી હતી. મોડી રાત્રે બનેલા બાદ ગણેશ મંડળે મૂર્તિનું વિસર્જન નહીં કરવાની જીદ પકડતા પોલીસે ગણેશજીની મૂર્તિ વિસર્જન કરવાનું બીડું ઉપાડ્યું હતું.
મળેલી માહિતી પ્રમાણે આનંદ ચૌદશના દિવસે સમગ્ર શહેરમાંથી શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી. જેમાં માંજલપુર વિસ્તારના પવન દૂત ગણેશ યુવક મંડળની વિસર્જન યાત્રા પણ નીકળી હતી. આ વિસર્જન યાત્રા તુલસીધામ ચાર રસ્તા પાસે આવી પહોંચી હતી. અને યાત્રામાં જોડાયેલા યુવાનો-યુવતીઓ, મહિલાઓ અને પુરૂષો ડી.જે.ના તાલે નાચી રહ્યા હતા. પોલીસે ડી.જે. બંધ કરાવતા મામલો બિચક્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીના સમજાવ્યા છતાય ગણેશ મંડળ એકના બે ન થતા મામલો ઉગ્ર બની ગયો હતો.વિસર્જન યાત્રામાં જોડાયેલા પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા હતા. અને ગણપતિ બાપા મોરયાના જયઘોષ સાથે એક પોલીસ અધિકારીને ધક્કે ચઢાવતા મામલો વધુ ગરમાયો હતો. જેમાં એક પોલીસ અધિકારીએ એક યુવાનનો મોબાઇલ ફોન લઇ લેતા પોલીસ સાથે ઝપાઝપી શરૂ થઇ હતી. યાત્રામાં જોડાયેલા યુવાનોનું ટોળું ભેગું થતાં અને ટોળું બેકાબુ બનતું જણાતા પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસે લાઠીચાર્જ કરતા નાસભાગ મચી ગઇ હતી. જેમાં યાત્રામાં જોડાયેલ જયશ્રીબહેન સુરેશભાઇ નાયક (રહે. પવનદૂત નગર, માંજલપુર)ને પોલીસની વચ્ચે આવી જતાં પોલીસના લાઠીચાર્જનો ભોગ બની હતી. પોલીસે આ બનાવમાં પાંચ જેટલા યુવાનોની અટકાયત પણ કરી હતી.