ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ અનેક પ્રકારની રાજકીય ઊથલપાથલ શરૂ થઈ ગઈ છે. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરી, મહેસાણાના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની કરોડોની ઉચાપતના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. તેમની ધરપકડ બાદ મહેસાણા અને ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. ત્યારે હવે આ ચકચારી કેસમાં EDની એન્ટ્રી પણ થશે એવી વિગતો સામે આવી રહી છે. એટલું જ નહીં, ACBની તપાસમાં સામે આવ્યું છે કે વિપુલ ચૌધરીએ યુએસ અને કેનેડા અને અલાસ્કામાં મોટેલ તથા મકાનની ખરીદી કરી છે. જ્યારે તેની સ્ત્રી મિત્રના મોજશોખ પૂરા કરવા કરોડો રૂપિયા સ્વાહા કર્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. નોંધનીય છે કે મહેસાણા ખાતે કોર્ટમાં આજે બપોરે 12 વાગ્યા બાદ વિપુલ ચૌધરીને રજૂ કરવામાં આવશે અને ક્રાઇમ બ્રાન્ચ તેના 14 દિવસના રિમાન્ડ પણ લઈ શકે છે.ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ગત મોડી રાત્રે અમદાવાદની ટીમે સ્પેશિયલ ઓપરેશન હેઠળ ધરપકડ કરી છે. સામાન્ય રીતે એન્ટીકરપ્શનનો કેસ દાખલ થયો હોય ત્યારે ACBની ટીમ જ રેડ કરીને આરોપીની ધરપકડ કરે છે, પરંતુ આ કેસ હાઈપ્રોફાઈલ હોવાથી આ સમગ્ર કેસ ગૃહ વિભાગની સૂચનાથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો અને મોડી રાતે વિપુલ ચૌધરીને એક શંકાસ્પદ જગ્યાથી ઉઠાવી લેવામાં આવ્યા છે.વિપુલ ચૌધરીની ધરપકડ બાદ તેમનાં અનેક રહસ્યો એન્ટીકરપ્શન બ્યૂરો સમક્ષ ખૂલી રહ્યાં છે, જેમાં વિદેશની ધરતીમાં મિલિયન ડોલરના બંગલા અને સ્ત્રી મિત્ર પાછળ ઉડાવેલા લાખો-કરોડો રૂપિયાની વિગતો પણ સામે આવી રહી છે. હવે વિદેશમાં મળેલી પ્રોપર્ટી અંગેની જાણ થતાં એન્ટીકરપ્શન બ્યૂરો EDને લેખિતમાં જાણ કરશે ત્યારે આગામી સમયમાં વિપુલ ચૌધરી કેન્દ્રીય એજન્સીઓની તપાસમાં આવી જશે.
સ્ત્રી મિત્રના શોખ પૂરા કરવા કરોડો રૂપિયા સ્વાહા કર્યાની ચર્ચા, વિદેશની ધરતી પર અબજો રૂપિયાના બંગલા ખરીદ્યા
September 16, 2022
0