ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ (ATS) અને ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (DRI)ને ડ્રગ્સ પકડવામાં એક મહત્વની સફળતા મળી છે. ગુજરાત ATSને બાતમી મળી હતી કે કોલકાતા પોર્ટ પર 35 KG ડ્રગ્સ એક કન્ટેનરમાં છુપાયેલું પડ્યું છે. જેની બજાર કિંમત અંદાજે રૂ. 200 કરોડ છે, જે બાતમીના આધારે એટીએસ અને ડીઆરઆઈ એ કોલકાતાના પોર્ટ પર રેડ કરીને ડ્રગ્સ ઝડપી લીધું છે. ફેબ્રુઆરી મહિનામાં દુબઈમાંથી આ જથ્થો લાવવામાં આવ્યો હતો.
સ્ક્રેપમાં દુબઈથી ડ્રગ્સથી આવ્યું હતું
ગુજરાત પોલીસ અને ડીઆરઆઈએ કોલકાતાના પોર્ટ પરથી સ્ક્રેપની અંદર લવાયેલું કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં દુબઈથી કન્ટેનરમાં સંતાડીને ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું. ગુજરાત ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, ફેબ્રુઆરી મહિનામાં દુબઈથી સ્ક્રેપમાં આવેલા એક કન્ટેનરમાં ડ્રગ્સ છુપાવીને લાવવામાં આવ્યું હતું. જેના પર સફેદ માર્ક કરતી નિશાની કરવામાં આવી હતી.
આ બાતમીના કારણે ગુજરાત ATSએ આ કન્ટેનરની રેડ કરતાં ત્યાં 35 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 200 કરોડ જેટલી કિંમત થાય છે. ફેબ્રુઆરી મહિનામાં આવેલા ડ્રગ્સને ગિયર બોક્સમાં સંતાડવામાં આવ્યું હતું. ગુજરાત એટીએસ અને ડીઆરઆઈને મળેલી સફળતા બાદ અન્ય કનેક્શન પણ સામે આવે તેવી શક્યતા છે.