રંગીલા રાજકોટિયન ખાણી-પીણીમાં ગુજરાતભરમાં જાણીતા છે. રાજકોટના લોકો ખાઇ-પીને જલસા કરે એટલું જ નહીં અહીંની લોકલ વાનગીઓ સીમાડા પાર વખણાય છે. રાજકોટના રસિકભાઇની ચેવડા, વેફર સાથે ખવાતી લીલી ચટણી દેશ-વિદેશમાં લોકોને દાઢે વળગી છે. માત્ર ચાર ચોપડી ભણેલા રસિકભાઇએ 52 વર્ષ પહેલાં મરચાં અને સિંગદાણામાંથી લીલી ચટણી બનાવી હતી. બાદમાં લીલી ચટણીની માગ એટલી વધી કે આજે રોજની 100 કિલો ચટણી વેચાઇ રહી છે. જોકે, તહેવારોમાં આંક 150 કિલો સુધી પહોંચી જાય છે. આજે આખા રાજકોટમાં લીલી ચટણી તો રસિકભાઈની જ વેચાઇ રહી છે. તેમજ રાજકોટ, રાજ્ય અને દેશ બહાર રસિકભાઈની લીલી ચટણીએ સીમાડા પાર કર્યા છે. દેશ-વિદેશમાં લીલી ચટણી જાય છે. ત્યારે આ ચટણી કેવી રીતે બને છે તે દિવ્ય ભાસ્કર આપને સૌપ્રથમ વખત દેખાડી રહ્યું છે.
વેફર સાથે લીલી ચટણીનું અનોખું કોમ્બિનેશન
રાજકોટમાં અનેક જગ્યાએ લીલી ચટણી બને છે, પણ રસિકભાઈની લીલી ચટણીનું નામ પડે એટલે રીતસર લોકોના મોઢામાં પાણી આવી જાય છે. કારણ કે, રસિકભાઈએ જે ટેસ્ટ આપ્યો તે જ ટેસ્ટ આજે પણ તેમના બે પુત્રો આપી રહ્યા છે. રસિકભાઈના અવસાન પછી તેમના બે પુત્રો ધંધો સંભાળી રહ્યા છે અને ધીમે ધીમે ધંધો એટલો વિસ્તર્યો કે આજે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 6 જેટલી બ્રાન્ચ છે. બહારથી આવતા લોકો બીજું કંઈ ન લઈ જાય તો કંઈ નહીં પણ રસિકભાઈની ચટણી અવશ્ય લઈ જાય છે. વેફર સાથે લીલી ચટણીનો ચટાકો પણ રસિકભાઈએ લગાડ્યો છે.