પ્રધાનમંત્રી મોદીએ ઉદ્યોગોને સરળતાથી ચલાવી શકાય તે માટે ખાસ પોલીસી લોન્ચ કરી છે. કેન્દ્ર સરકાર છેલ્લાં 3 વર્ષથી આ પોલીસી તૈયાર કરવાનું કામ કરી રહી હતી. આ પોલીસીના કારણે ઉદ્યોગિક એકમો, વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે એક પ્રકારે સમન્વય સધાશે. બજારમાં પહેલાં કરતા ઝડપથી અને સરળતાથી માલ-સામાનનું વેચાણ થઈ શકશે. ટ્રાન્સપોટેશન પણ પહેલાંની સરળખામણીએ ઘણું સરળ બનશે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના જન્મદિનના અવસરે જ દેશને નેશનલ લોજિસ્ટિકિસ પોલીસીની અનમોલ ભેટ આપી છે. PM મોદીએ નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી રજૂ કરતા કહ્યું કે આ પોલિસી પરિવહન ક્ષેત્રના પડકારોનું સમાધાન આપનારી, અંતિમ છેડા સુધી ડિલિવરીની ગતિ વધારનારી અને ઉદ્યોગો માટે નાણાં બચાવનારી બની રહેશે. આ પોલિસીથી ઉદ્યોગોની લોજિસ્ટિક્સ કોસ્ટ હાલના 13-14 ટકાથી ઘટીને સિંગલ ડિજિટમાં આવવાનું અનુમાન છે.
PM મોદીએ જણાવ્યું હતુ કે આજે ભારતના પોર્ટ્સની કુલ ક્ષમતા ઘણી વધી છે અને જહાજોનો એવરેજ ‘ટર્ન-અરાઉન્ડ ટાઇમ’ 44 કલાકથી ઘટીને 26 કલાક થઇ ગયો છે. પોર્ટ્સ અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર્સને જોડતી સાગરમાલા પરિયોજનાએ લોજિસ્ટિક કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કાર્યોમાં સુધારા લાવવાનું શરૂ કરી દીધું છે. ભારત હવે વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું છે. પોલિસી પાછળ 3 વર્ષથી કામ ચાલી રહ્યું હતું| કેન્દ્ર સરકાર 3 વર્ષથી નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી પર કામ કરી રહી હતી. વાણિજ્ય મંત્રાલયે તેનો મુસદ્દો 2019માં જારી કર્યો હતો પણ કોરોના મહામારીના કારણે વિલંબ થયો. ગત બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આ પોલિસી ફરી જાહેર કરી હતી.
ઉદ્યોગક્ષેત્રે એમાંય લોજિસ્ટિક્સ ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ગુજરાતનો લોજિસ્ટિક બિઝનેસ 3 લાખ કરોડ રૂપિયાનો થવા જાય છે. જ્યારે ગુજરાતના જીડીપીમાં લોજિસ્ટિક ક્ષેત્રનો હિસ્સો 15 ટકા છે. લોજિસ્ટિક ઈન્ડેક્સ 2021માં હરિયાણાએ ચાર ક્રમ આગળ વધીને બીજો ક્રમ મેળવ્યો છે, જે 2019માં છઠ્ઠા ક્રમે હતું, જ્યારે પંજાબ 2019માં બીજા ક્રમે હતું, જે 2021માં એક ક્રમ પાછળ ખસીને ત્રીજા ક્રમે પહોંચ્યું છે. આ અહેવાલ પ્રમાણે, આ યાદીમાં વિવિધ રાજ્યોએ ચોક્કસ માપદંડોમાંથી ખરાં ઉતરવું પડે છે. તેમાં વેરહાઉસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા, ટ્રાન્સપોર્ટેશન વખતે ઝડપથી થતી કાર્ગો ડિલિવરી, ઓપરેટિંગ અને રેગ્યુલેટરી સિસ્ટમ, રેગ્યુલેટરી સર્વિસની ક્ષમતા વગેરે સામેલ છે.
જોકે, આ દરમિયાન કેટલાંક રાજ્યોએ મોટાં ઔદ્યોગિક સ્થળો વચ્ચે રસ્તાની ખરાબ હાલતનો પણ સામનો કરવો પડે છે. આ અહેવાલ જાહેર થયો ત્યારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આ રિપોર્ટના આધારે આગામી પાંચ વર્ષમાં લોજિસ્ટિક ખર્ચ પાંચ ટકા સુધી ઘટાડી શકાશે. એક અંદાજ પ્રમાણે, હાલ લોજિસ્ટિક પાછળ જીડીપીના 13થી 14 ટકા જેટલો ખર્ચ થાય છે. લોજિસ્ટિક પૂરી ક્ષમતા સાથે કરવામાં આવે તો દેશભરના ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોના સશક્તીકરણમાં પણ આડકતરો લાભ મળે છે.
આ દરમિયાન વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે આ ક્ષેત્રે એક જ રાજ્યમાં સુધારા થાય તેના કરતાં બધાં જ રાજ્યોની લોજિસ્ટિક સિસ્ટમ સુધારવામાં આવે તો તેનાથી સમગ્ર ઈકોસિસ્ટમને પૂરતું બળ મળે. આ દરમિયાન તેમને કન્ટેઇનરની અછત અંગે પણ સવાલ કરાયો હતો, જે અંગે તેમણે કહ્યું હતું કે, દેશમાં વિદેશી વેપાર સતત વધી રહ્યો છે, જે ભારતીય અર્થતંત્ર માટે સારા સંકેત છે. એકલા ભારતમાં નિકાસ ક્ષેત્રે 40 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે આયાતમાં પણ 25 ટકાનો વધારો થયો છે. આ કારણસર વિશ્વભરમાં કન્ટેઇનરની અછત છે. તેથી વાણિજ્ય મંત્રાલય શિપિંગ લાઈન અને કન્ટેઇનર ઓપરેટરો સાથે પણ પરામર્શ કરી રહ્યું છે. અમે કસ્ટમ સાથે વાત કરીને પ્રક્રિયા ઝડપી બનાવવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં, રેલવે પણ ખાલી કન્ટેઇનર સબસિડાઈઝ્ડ કિંમતે પૂરા પાડવા મદદ કરી રહી છે.