સોમવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડૉ.મનમોહન વૈદ્યે કોંગ્રેસની ભારત જોડો યાત્રા અને સોશિયલ મીડિયા પર સંઘ વિરુદ્ધ કરવામાં આવેલી પોસ્ટ પર આકરી પ્રતિક્રિયા આપી હતી. ડો. વૈદ્યએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે કોંગ્રેસીઓના બાપ-દાદાઓ તો હંમેશાં સંઘનો તિરસ્કાર કરતા હતા, પરંતુ સંઘ આગળ વધ્યો, સંઘ કેમ વધ્યો, કારણ કે તે રાષ્ટ્ર માટે સત્યના સિદ્ધાંત પર કામ કરતો રહ્યો છે.ખરેખર સંઘ છેલ્લા ત્રણ દિવસથી રાયપુરમાં જે બેઠક યોજી રહ્યો હતો, આ વાતચીત એના વિશે હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. આ બેઠકમાં સંઘની વિચારધારા હેઠળ કામ કરતા દેશનાં 36 સંગઠનોના 250થી વધુ અગ્રણી લોકો હાજર રહ્યા હતા. સોમવારે બેઠક પૂરી થઈ હતી. એરપોર્ટ નજીક માનસ ભવનમાં યોજાયેલી બેઠક બાદ સંઘના સહ સરકાર્યવાહ ડો.મનમોહન વૈદ્યએ મહત્ત્વની માહિતી આપી હતી.
સંઘ-પ્રમુખ મોહન ભાગવતે દેશનાં તમામ સંગઠનો સાથે ચર્ચા કરી હતી. નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં દેશમાં કેટલાક સકારાત્મક ફેરફારો પર કામ કરવું આવશ્યક છે. એમાં દેશની શાળા-કોલેજોમાં પણ હિંદુત્વના અભ્યાસક્રમની વાત છે. સંઘના સહ સરકાર્યવાહ ડો.મનમોહન વૈદ્યે જણાવ્યું હતું કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેશની વિદ્યાપીઠોમાં હિંદુત્વનું શિક્ષણ આપવું જોઈએ. તેમણે કહ્યું હતું કે યુએસ અને યુકેમાં હિંદુત્વ પર અભ્યાસ થઈ રહ્યો છે તો તે અહીં પણ થવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે જીડીપીના બદલે ભારતીય માનક સૂચકાંકની તૈયારી પર પણ વિચાર કરવામાં આવ્યો હતો.