રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ (Rajkot)ના યુનિવર્સિટી રોડ પર અંદાજિત 18 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને રેસકોર્સ પાસે નિર્મિત સ્પોર્ટ્સ હોસ્ટેલનું લોકાર્પણ કર્યુ હતુ. તેમણે સિવિલ હોસ્પિટલ પરિસરમાં નિર્મિત નવા વન સ્ટોપ સખી સેન્ટરનું પણ ઈ-ઉદ્દઘાટન કર્યુ હતુ. યુનિવર્સિટી રોડ પર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મેદનીને સંબોધતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ જણાવ્યુ હતુ કે રાજકોટમાં લોકાર્પિત કરાયેલા સ્પોર્ટ્સ સંકુલમાં મહિનામાં માત્ર 200 રૂપિયામાં સ્પોર્ટ્સની તાલીમ મળશે. ખેલકૂદને(Sports) પ્રોત્સાહન આપવા નવી સ્પોર્ટ્સ પોલિસી થકી રાજ્યના યુવાનો મેડિકલ, એન્જિનિયરિંગ, કોમર્સ વગેરે ક્ષેત્રોની જેમ જ ખેલકૂદ ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી શકે તેવો સરકારનો પ્રયાસ છે.
હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય રમતો-2022નું માત્ર 90 દિવસના ટૂંકાગાળામાં આયોજન કરીને ગુજરાત એક ઈતિહાસ રચવા જઈ રહ્યુ છે. જેના સાક્ષી બનવાનો આપણને સહુને અવસર મળશે. ભૂતકાળમાં અન્ય રાજ્યોએ રાષ્ટ્રીય રમતોના આયોજન માટે લીધેલા દોઢ-બે-ત્રણ અને સાત-સાત વર્ષની સરખામણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સૌ નાગરિકોએ મળીને 90 દિવસના ટૂંકા ગાળામાં આ રમતો યોજવાની તૈયારી બતાવી છે. જે ખૂબ સરાહનીય બાબત છે. ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની ટીમે પ્રાથમિક પરીક્ષણ બાદ ગુજરાતની આ કામગીરીની ખૂબ સરાહના કરી હતી.
હર્ષ સંઘવીએ કહ્યુ હતુ કે રાષ્ટ્રીય રમતોના સ્વાગત માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા રાજકોટમાં એક જ દિવસમાં બે લાખથી વધુ લોકોની સામેલગીરી સહિત ગુજરાતના ખૂણેખૂણેથી લોકો જોડાયા હતા. 29મી સપ્ટેમ્બરે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રમતોને ખુલ્લી મુકશે. જેમા પધારનારા દેશભરના ખેલાડીઓ ગુજરાતના ગરબા માણે તે માટેના પ્રયત્નો કરવા તેમણે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.