શહેરના છેવાડે આવેલા માણેજા ગામમાં મોડી રાત્રે શ્રીજીની વિસર્જનયાત્રામાં DJમાં ડાન્સ કરવા ત્રણ જેટલા કહેવાતા માથાભારે યુવાનો ઘૂસી જતાં ગણેશમંડળના યુવાનો સાથે છુટ્ટા હાથની મારા મારી થઈ હતી. મોડી રાત્રે મારામારીના બનેલા આ બનાવના વીડિયો વાઇરલ થયા છે. માણેજા ગામમાં બનેલા શ્રીજીની વિસર્જનયાત્રામાં બનેલા બનાવને પગલે દોડધામ મચી ગઈ હતી. મહિલા-પુરુષોનું ટોળું પકડો...પકડો...ની બુમરાણો સાથે ડી.જે. ઓપરેટરને મારવા પાછળ દોડ્યું હતું.
ગણેશચતુર્થીથી શહેરમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ભક્તિભાવપૂર્વક ઉત્સાહભેર ગણેશોત્સવની ઉજવણી થઈ છે. કેટલાંક ગણેશમંડળો દ્વારા શ્રીજી ઉત્સવના નવમા દિવસે શ્રીજીનું ભવ્યાતિ ભવ્ય સવારીઓ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. સવારથી મોડી રાત સુધી નવ દિવસ માટે શ્રીજીની સ્થાપના કરતા ગણેશ યુવક મંડળો દ્વારા ભવ્ય વિસર્જન યાત્રાઓ કાઢીને શ્રીજીનું પોતાના વિસ્તારોમાં આવેલાં તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
શ્રીજી ઉત્સવના નવમા દિવસે વડોદરાના છેવાડે આવેલા માણેજા ગામ ગણેશ યુવક મંડળ દ્વારા પણ શ્રીજીની નવ દિવસ માટે સ્થાપના કરવામાં આવી હતી અને રાત્રે વાજતે-ગાજતે શ્રીજીની વિસર્જનયાત્રા કાઢવામાં આવી હતી. ડી.જે. સાથે નીકળેલી શ્રીજીની ભવ્ય વિસર્જનયાત્રામાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો, યુવતીઓ, મહિલાઓ, પુરુષો અને વૃદ્ધો જોડાયાં હતાં. શ્રીજીની વિસર્જનયાત્રા ડી.જે.ના તાલ સાથે ડાન્સ કરતા યુવાનો સાથે તળાવ તરફ આગળ ધપી રહી હતી.