વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એક પછી એક પોતાના ગુજરાત પ્રવાસ વધારી રહ્યા છે. હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Elections) ખૂબ જ ઓછા મહિના બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન ગુજરાતમાં ભાજપનો (BJP) પ્રચાર પ્રસાર વધારી રહ્યા છે. આગામી 29 અને 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવવાના છે. આ સમય દરમિયાન નવરાત્રી છે. ત્યારે નવરાત્રીમાં વડાપ્રધાન યાત્રાધામ અંબાજીમાં મા અંબાના દર્શન પણ કરશે. 30 સપ્ટેમ્બરે તેઓ બનાસકાંઠાના ચીખલા ખાતે વિશાળ જંગી સભા પણ યોજવાના છે. મા અંબાના આશીર્વાદ સાથે તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત માટે તેઓ પ્રચાર પ્રસાર કરવાના છે.
બનાસકાંઠાના અંબાજીના ચીખલા ખાતે વડાપ્રધાન મોદીના આગમનને લઇને વહીવટી તંએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. 30 સપ્ટેમ્બર વડાપ્રધાન મોદી અંબાજીમાં માતાજીના દર્શન કરશે. બાદમાં વડાપ્રધાન મોદીની ચીખલા ખાતે વિશાળ જંગી સભા યોજાશે. જેને લઈને પ્રથમ વખત વિશાળ જર્મન એલ્યુમિનિયમ હેંગર ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. વિશાળ ડોમની પહોળાઈ 330 ફૂટ અને લંબાઈ 1000 ફૂટ છે. આ વિશાળ ડોમમાં અંદાજીત 35 હજાર લોકો બેસી શકશે. વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત મોદી અંબાજી આવી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. ત્યારે PM મોદી અમદાવાદના GMDC ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે. પીએમ મોદી નવરાત્રી મહોત્સવમાં અંબાજી માતાની આરતી પણ ઉતારશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં નવરાત્રી મહોત્સવમાં પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ વર્ષે ફરી તેઓ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી શકે છે.
નવરાત્રીમાં વડાપ્રધાન મોદી અમદાવાદીઓને મેટ્રોની ભેટ આપશે. વડાપ્રધાન મોદી પાંચમા નોરતાએ એટલે કે 30 સપ્ટેંમ્બરે મેટ્રોના બંને રૂટને લીલી ઝંડી આપશે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ અમદાવાદ મેટ્રોને CMRS એટલે કે કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટીની મંજુરી મળી ગઈ છે. ફેઝ-1માં પૂર્વથી પશ્ચિમ છેડાને જોડતા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનો વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થશે. જ્યારે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીના રૂટને પણ PM મોદી લીલી ઝંડી આપશે. હેલ્મેટ સર્કલ પાસેથી વડાપ્રધાન ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. વડાપ્રધાન મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે એવી પણ શક્યતા જણાઈ રહી છે.