આજે ગૌતમ અદાણી દુનિયાના બીજા નંબરની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. હવે દુનિયાના ટોપ-10ની અબજપતિઓની યાદીમાં એલન મસ્ક પછી ગૌતમ અદાણી આવે છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણીએ આ સ્થાન બર્નાર્ડ અર્નોલ્ટને પાછળ પાડીને મેળવ્યું છે. ફોર્બ્સની યાદીમાં પ્રથમ વખત ધનિક વ્યક્તિઓની યાદીમાં બીજા નંબરે આવીને ગૌતમ અદાણીએ ઈતિહાસ સર્જ્યો છે. જોકે બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી આજે પણ ત્રીજા નંબરે છે.
ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સ પ્રમાણે આજે બપોર સુધીમાં અદાણીની સંપત્તિમાં કુલ 5.5 અબજ ડોલરનો વધારો થયો છે. હવે તેઓ 155.7 અબજ ડોલર (રૂ. 12.34 લાખ કરોડ) સાથે દુનિયાના બીજા નંબરના અબજપતિ બની ગયા છે. તેમની આગળ પહેલા નંબરના સ્થાને હવે માત્ર એલન મસ્ક છે. જોકે ગૌતમ અદાણી થોડા કલાકો માટે આ સ્થાન પર રહ્યા હતા. તેમની પાસે 273.5 અબજ ડોલરની સંપત્તિ છે. અદાણી પછી ત્રીજા નંબરે બર્નાર્ડ અર્નોલ્ટ 155.2 અબજ ડોલરની નેટવર્થ સાથે ત્રીજા નંબરે છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની વાત કરીએ તો તેઓ આ લિસ્ટમાં 92.6 અબજ ડોલર સાથે આઠમા નંબરે છે.ક્યાંથી આવે છે અદાણી પાસે આટલા પૈસા
અદાણીની મિલકતનો મોટો હિસ્સો અદાણી ગ્રુપની પબ્લિક પાર્ટનરશિપમાંથી આવે છે. માર્ચ 2022 સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગ પ્રમાણે અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પાવર અને અદાણી ટ્રાન્સમિશનમાં તેમની પાસે 75% ભાગીદારી છે. તે અદાણી ટોટલ ગેસની અંદાજે 37% છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમી ઝોન (SEZ)નો 65% અને અદાણી ગ્રીન એનર્જીના 61%ના માલિક છે. આ દરેક કંપનીઓ અમદાવાદમાં આવેલી છે.
વર્ષ 2022થી સતત વધી છે અદાણીની સંપત્તિ
અદાણી ગ્રુપની નેટવર્થ 2022માં સતત વધી છે. ગૌતમ અદાણી દુનિયાના ટોપ-10 અમીરોની યાદીમાં ગૌતમ અદાણી અને એલન મસ્ક જ એવી વ્યક્તિ છે, જેમની મિલકત છેલ્લા 24 કલાક દરમિયાન વધી છે. આ દરમિયાન અદાણીની નેટવર્થમાં 4.9 અબજ ડોલરનો વધારો થયો છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યારસુધીમાં અદાણીની સંપત્તિ 60.9 અબજ ડોલરથી વધારે નફો થયો છે.
ફેબ્રુઆરી 2022માં ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને અમીરીમાં પાછળ પાડી દીધા છે
ગૌતમ અદાણીએ ગયા મહિને માઈક્રોસોફ્ટના પ્રમુખ બિલ ગેટ્સને પાછળ પાડી દીધા છે. બિલ ગેટ્સની નેટવર્થ ઘટીને 117 અબજ ડોલર થઈ છે. આ ઘટાડો તેમણે મોટા પાયે દાન કર્યું હોય તેના કારણે થયો છે. અદાણીની નેટવર્થમાં આ વર્ષે 60 અબજ ડોલરનો વધારો થયો છે. એ દેશના અન્ય અમીરોની સરખામણીએ પાંચ ગણી વધારે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ગોતમ અદાણીએ રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણીને પણ પાછળ પાડી દીધા હતા. અદાણી તેની સાથે જ ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા. એપ્રિલ 2022માં અદાણીની નેટવર્થ પહેલીવાર 100 અબજ ડોલરને પાર થઈ ગઈ હતી.