ઓટો ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા કેટલાક સમયથી ટોપ ગિયરમાં જોવા મળી રહી છે. વ્યાજદરમાં વધારો, સ્લોડાઉન, મોંઘવારી છતાં ઓટોમાં તમામ સેગમેન્ટમાં વેચાણમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. ઓટોમોબાઈલ ડીલર્સની સંસ્થા ફાડાના અહેવાલ મુજબ વાહનોના રજીસ્ટ્રેશનમાં થયેલા વધારાને કારણે આ વર્ષે ઓગસ્ટમાં ભારતમાં ઓટોમોબાઈલના રિટેલ વેચાણમાં 8.31 ટકાનો વધારો થયો છે.
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ દેશમાં વાહનનું કુલ રિટેલ વેચાણ ઓગસ્ટ 2021માં 1404704 યુનિટની સરખામણીએ આ વર્ષે 1521490 યુનિટ રહ્યું હતું. પેસેન્જર વ્હીકલ્સ (PV)નું રિટેલ વેચાણ 2,74,448 યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉના મહિનામાં 2,57,672 યુનિટ હતું, જે 6.51 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
ટુ-વ્હીલર રિટેલ વેચાણ પણ ઓગસ્ટ 2022માં 8.52 ટકા વધીને 10,74,266 યુનિટ હતું જે ગયા વર્ષના સમાન મહિનામાં 9,89,969 યુનિટ નોંધાયું હતું. થ્રી-વ્હીલર સેગમેન્ટમાં ગયા મહિને સૌથી વધુ વૃદ્ધિ દર જોવા મળ્યો હતો. 83.14 ટકાનો વૃદ્ધિ સાથે 56,313 યુનિટ થયો હતો, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 30,748 એકમોનો હતો.