રવિવારે રાત્રે અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચ્યા એ સમયે જ આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓએ અમદાવાદના કાર્યાલય પર પોલીસની રેડ પડી હોવાનું ટ્વીટ કર્યું હતું. AAPના પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીએ બંનેએ આ ટ્વીટ કર્યા છે. સોમવારે સવારે અમદાવાદ પોલીસે કહ્યું હતું કે આવી કોઈ રેડ અમે કરી નથી. દેશભરમાં અત્યારે રેડનો માહોલ છે ત્યારે આમ આદમી પાર્ટીએ આવી જાણકારી આપી એટલે બધાએ માની લીધું કે રેડ પડી. જોકે અમદાવાદ પોલીસે બચાવ કરતાં કહ્યું હતું કે અમે કાંઈ કર્યું નથી. હવે રેડ ખરેખર પડી કે નહીં એ વિશે બંને સોશિયલ મીડિયા પર લડી રહ્યા છે. ગુજરાત પોલીસ અને ગુજરાત ભાજપ હવે AAPના નિવેદન સામે પ્રતિનિવેદન આપીને AAPની ગેમમાં ફસાઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસ ગુજરાતમાં રિક્ષાચાલકો, વેપારીઓ, વકીલો, અને સફાઈકર્મચારીઓ સાથે સંવાદ અને ગેરેન્ટી આપવાના છે, જેને લઈ આજે સાંજે અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા ત્યારે અમદાવાદના નેહરુબ્રિજ પાસે આવેલી આમ આદમી પાર્ટીની ડેટા એનાલિસિસ ઓફિસમાં કેટલાક પોલીસકર્મીઓ આવી અને તપાસ કરી હોવાનું આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું, જે મામલે અમદાવાદ પોલીસ દ્વારા પણ ટ્વીટ કરીને ખુલાસો કરવામાં આવ્યો છે કે ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે એવા સમાચાર સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે. આવા પ્રકારની કોઈપણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.