રવિવારે ગુજરાતભરમાં મુખ્ય શહેરોમાં જૂની પેન્શન યોજના સહિતની માગ સાથે કર્મચારી મંડળ રસ્તા પર ઉતર્યા હતા. વિવિધ માગ સાથે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં રેલીઓ કાઢીને આંદોલન કર્યા હતા. તો બીજી તરફ આવતી 17મી સપ્ટેમ્બરે માસ સીએલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી. બે દિવસથી રેલીઓ અને બંધનો માહોલ રહ્યો છે. ગઈકાલે શનિવારે કોંગ્રેસની સવારે 8થી 12 સાંકેતિક ગુજરાત બંધનું એલાન અપાયું હતું. જેને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો.
15 જેટલી માગણી સાથે વિવિધ કર્મચારી મંડળોનું આંદોલન
ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચા તથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓની વિવિધ 15 જેટલી માંગણીઓ છે. જેમાં ખાસ કરીને જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા, ઉપરાંત ફિક્સ પગાર યોજના નાબૂદ કરવા, સાતમા પગાર પંચના બાકી ભથ્થા આપવા, રહેમરાહે નિમાયેલા કર્મચારીઓની સેવા તમામ હેતુ માટે સળંગ ગણવી, કેન્દ્રની માફક 10, 20 અને 30 વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ આપવા, 10 લાખની મર્યાદામાં કેશ લેસ મેડિકલેમનો લાભ આપવા, નિવૃત્તિ વય મર્યાદા 58 ના બદલે 60 વર્ષની કરવા, ચાલુ ફરજ દરમિયાન કર્મચારીઓના અવસાનના કિસ્સામાં વારસદારોને ઉચ્ચક નાણાકીય સહાયના બદલે અગાઉની જેમ રહેમ રાહે નોકરી આપવા સહિતના વિવિધ 15 જેટલ પ્રશ્ને આંદોલન છેડાયું છે.
રેલીમાં પ્રાથમિક શિક્ષકો, સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષકો, આચાર્ય સંઘ, ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ, આરોગ્ય, કલેક્ટર કચેરી, મહેસૂલ, ગ્રામસેવક, તલાટી , ન્યાય ખાતું, વહીવટી સંઘ, ઉત્કર્ષ મંડળ, બહુમાળી ભવન વગેરેના કર્મચારીઓ જોડાયા હતા.
અમદાવાદ ઈન્કમટેક્સથી કલેક્ટર કચેરી સુધી રેલી
અમદાવાદના ઈન્કમટેક્સ ખાતે ગાંધીજીની પ્રતિમાથી લઈને કલેક્ટર કચેરી સુધી વિવિધ જિલ્લાના સરકારી કર્મચારીઓની ગ્રેડ-પે પગાર વધારો અને જૂની પેન્શન યોજના લાગુ કરોની માગ સાથે રેલી યોજાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાઓમાંથી સરકારી કર્મચારીઓ રેલીમાં જોડાયા હતાં.