મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અજય દેવગણની ઉપસ્થિતિમાં ગુજરાતની સૌ પ્રથમ સિનેમેટિક ફિલ્મ પોલિસી-2022નું અમદાવાદમાં લોન્ચિંગ કર્યુ હતું. મુખ્યમંત્રીએ આ સિનેમેટિક ફિલ્મ પોલિસી ગુજરાતમાં ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરના ડેવલપમેન્ટમાં મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો રાજ્યમાં ફિલ્મ મેકીંગ, સ્ટુડિયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્ટિંગ સ્કૂલ સહિતના 1022 કરોડના MOU કરાયા છે. જેમાં અજય દેવગણે પણ ફિલ્મ મેકીંગ અને સ્ટુડિયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓ માટેના એમ.ઓ.યુ. કર્યા હતા.
સિનેમેટિક ફિલ્મ પોલિસી-2022નું લોન્ચિંગ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમા વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે અને ગુજરાત એમના જ માર્ગ દર્શનમા દેશનું વિકાસ મોડલ બન્યું છે. ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને વિશ્વના રોકાણકારો, વ્યસાયકારો માટે પસંદગીનું પ્રથમ સ્થાન બની ગયું છે. આત્મ નિર્ભર ગુજરાતના નિર્માણથી આત્મ નિર્ભર ભારત માટે આ પોલિસી ઉપયુક્ત બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ પોલિસી ફિલ્મ મેકીંગ ક્ષેત્રના સર્વિસ પ્રોવાઇડર્સને એક મંચ પર લાવી પ્રવાસન વિકાસને પણ અપ્રતિમ વેગ આપશે.
મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, આ નવી પોલિસી ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટે સક્ષમ તકો ઉભી કરશે. તેમજ સ્થાનિક લોકોને રોજગારીના અવસર પણ આપશે.આ પોલિસી લોન્ચિંગ સાથે મુખ્યમંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતમાં ફિલ્મ મેકીંગ, સ્ટુડિયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્ટિંગ સ્કૂલ સહિતના વિવિધ વિષયોમાં રોકાણો માટેના કુલ રૂ. 1022 કરોડના ચાર એમ.ઓ.યુ. પ્રવાસન વિભાગ સાથે કેટલાક રોકાણકારો દ્વારા કરવામાં આવ્યા હતા. અભિનેતા અજય દેવગણે પણ રાજ્યમાં ફિલ્મ મેકીંગ અને સ્ટુડિયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓ માટેના એમ.ઓ.યુ. કર્યા હતા.
પ્રસિદ્ધ અભિનેતા અજય દેવગણે ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે, આ સિનેમેટિક ટુરિઝમ પોલિસીના લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો આનંદ છે. ગુજરાત સરકારે સિનેમેટિક ટુરિઝમ પોલિસી જાહેર કરી તેની મને ખુશી છે. અહીંની સંસ્કૃતિ, વિસ્તારો અને વિવિધ ગુજરાતી વાનગીઓ મને આકર્ષે છે. અહીંના લોકોનો પ્રેમ પણ ખૂબ સારો મળ્યો છે. હું ગુજરાત સાથે વર્ષોથી જોડાયેલો છું. આ પોલિસીના માધ્યમથી ફિલ્મ જગતને સારો સહકાર મળી રહેશે.