ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે ખૂબ નજીક છે. ત્યારે કેન્દ્રીય નેતાઓની ફોજ ચૂંટણીપ્રચાર માટે ગુજરાતમાં ઊતરી ગઈ છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હવે વારંવાર ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યાં છે. બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ પણ પ્રચાર અર્થે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી 29 અને 30 સપ્ટેમ્બર બાદ તેઓ ફરીવાર ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. ગુજરાતમાં ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ભરચક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મોઢેરાને સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે
વડાપ્રધાન મોદી રવિવારે બપોરે જ અમદાવાદ આવી પહોંચશે. ત્યાર બાદ સીધા જ મોઢેરા જવા રવાના થશે. તેઓ રવિવારે મોઢેરાને ભારતનું પ્રથમ 24x7 રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે. મોઢેરા સોલર પાવર પ્રોજેક્ટ વિશે વાત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે “મને આનંદ છે કે સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવામાં ગુજરાતે ફરી એકવાર આગેવાની લીધી છે. 2030 સુધીમાં ભારતની 50% ઊર્જા જરૂરિયાતો રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન દ્વારા પૂર્ણ કરવાના તેમના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.