આદ્ય શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ (Navratri 2022) હવે સાવ નજીક છે ત્યારે માઇભક્તો બેચરાજીના (Bechraji) બહુચર માતાના મંદિર ખાતે પણ નવરાત્રિનો લાભ લઈ શકશે. સાથે જ આ વર્ષે કોરોનાકાળથી રાહત મળી છે ત્યારે બહુચરાજી મંદિર ખાતે ઘટ સ્થાપનથી માંડીને દશેરાનો હવન તેમજ પાલખીયાત્રા પણ ધામધૂમથી આયોજિત કરવામાં આવશે. વહીવટદાર બહુચરાજી માતાજી ટેમ્પલ (Bahuchraji Temple) ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવરાત્રિના દિવસો દરમિયાન વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવશે.શ્રી આદ્યશક્તિ બહુચરાજી માતાજી (Bahuchraji Temple) મંદિરમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 25 સપ્ટેમ્બરે ભાદરવા મહિનાની પૂર્ણાહૂતિના દિવસે ભાદરવા વદ અમાસના રોજ મુખ્યમંદિરની પ્રક્ષાલન વિધિ કરીને મંદિર સ્વચ્છ કરવામાં આવશે. આ વિધી બપોરે 12-00 વાગે થશે. જ્યારે નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે આસો સુદ એકમના રોજ 26 સપ્ટેમ્બરે સવારે 07-30 કલાકે ઘટસ્થાપન કરવામાં આવશે. આ ઉપરાંત શતચંડી યજ્ઞનો પ્રારંભ 01 ઓક્ટોબરના રોજ સવારે 09-15 કલાકે થશે, તેમજ તેની પૂર્ણાહુતિ 03 ઓક્ટોબરના આસો સુદ આઠમને સાંજે 04-30 કલાકે થશે.
આધશક્તિ બહુચરાજી માતાજીના પલ્લી નૈવેદ્ય આસો સુદ આઠમને સોમવાર 03 ઓક્ટોબરના રાત્રિના 12 કલાકે થશે. તેમજ નવરાત્રિના જવેરાનું ઉત્થાપન 05 ઓક્ટોબર,આસો સુદ દશમની બુધવારે સવારે 07-30 કલાકે થશે. માતાજીના દશેરા નિશાન ધ્વજારોહણ આસો સુદ દશમને બુધવાર 05 ઓક્ટોબરને સવારે 10-30 કલાકે આયોજિત કરવામાં આવશે.આ ઉપરાંત માતાજીની દશેરાની પાલખીયાત્રા આસો સુદ દશમને બુધવારે 05 ઓક્ટોબરને બપોરે 3-30 કલાકે શ્રી માતાજીની પાલખી બેચર ગામે સમી વૃક્ષ પૂજન માટે જશે. આ ઉપરાંત આસો સુદ પૂનમની પાલખી 09 ઓક્ટોબર રાત્રીના 09-30 કલાકે નિજમંદિરથી નીકળી શંખલપુર મુકામે જશે.